CRASH OF KARSANDAS PAY & USE | Gujarati Movie Review.

કરસદાનસ પે એન્ડ યૂઝ

KARSANDAS PAY & USE | Review | ReviewCrash |

આજ રોજ ૧૯મી મે એ રિલીઝ થયેલી અર્બન ગુજરાતી ફિલ્મ કરસનદાસ પે એન્ડ યૂઝ એ વર્ષ ૨૦૧૫માં આવેલી સફળ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના નિર્માતા-દિગ્દર્શકની દ્વિતીય ફિલ્મ છે. જે પ્રમાણે ફિલ્મ જોવા જતાં અગાઉ અંદાજો હતો તે મુજબ આ ફિલ્મમાં પણ ના તો કોઈ વાર્તાતત્વ છે કે ના તો યોગ્ય કોમેડી મૂવમેન્ટ છે. છીછરા હાસ્ય દ્રશ્યો અને મોટાભાગની ઓવર એક્ટિંગને રજૂ કરતી આ ફિલ્મ કરસનદાસ પે એન્ડ યૂઝ માં પૈસા પે કરી અને થિયેટર માં જોવા જેવું કોઈ ઠોસ કારણ જોવા મળતું નથી.

ફિલ્મની વાર્તા એ ભારતીય ફિલ્મ્સમાં પરંપરાગત રીતે જોવા મળતી એક નિષ્ફળતાથી સફળતા તરફ દોરી જતી પ્રેમ કહાણી છે. ફિલ્મનો નાયક તિલોક એ એક શૌચાલયના રખેવાળની ભૂમિકામાં છે જયારે નાયિકા જયા એ એક રીક્ષાચાલકની દીકરીની ભૂમિકામાં છે કે જે આસપાસના ઘરમાં કામ કરીને પોતાના પરિવારને નાણાકીય મદદ કરે છે. એક દિવસ જયા એટલે કે ફિલ્મની નાયિકાના ઘરમાં શૌચાલયનો પ્રશ્ન ઊભો થતાં એ પોતાની દૈનિક ક્રિયા માટે ઘરની સામે આવેલાં કરસનદાસ પે એન્ડ યૂઝ માં આવે છે અને ત્યાં તેની મુલાકાત શૌચાલયના રખેવાળ એવા તિલોક સાથે થાય છે અને તેમની વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે. જયારે જયાના પિતા ચિનુભાને આ વાતની ખબર પડે છે ત્યારે તે ગુસ્સે થાય છે અને આ બંનેની પ્રેમ કહાણીમાં એક વિલનની ભૂમિકામાં આવી જાય છે અને છેક ફિલ્મના અંત સુધી તેમનો વિરોધ ચાલું જ રહે છે. ફિલ્મની આ વાર્તા છે પણ તેના સ્ક્રીનપ્લેમાં અલગ-અલગ લાંબા અને વગર કામના દ્રશ્યોને ભેગા કરી અને તોડીમરોડીને દર્શકો સમક્ષ રજૂ કરવાનો દિગ્દર્શકે પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં જ્યાં અને ત્યાં વાર્તાની આસપાસ છીછરી કોમેડી પીરસવામાં આવી છે કે જેથી છેલ્લો દિવસ ખ્યાત દર્શકો પોતાનું સ્મિત રેલાવી શકે. ફિલ્મમાં નાયક તિલોકનું પાત્ર એ એક ચોક્કસ ગુજરાતી સમુદાય આધારિત તૈયાર કરવામાં આવ્યું છે અને ફિલ્મના સંવાદ પણ જે-તે સમુદાયની બોલી અથવા ભાષાનો આધાર લઈને લખવામાં આવ્યા છે. જેના માટે ખાસ્સી મહેનત કરવામાં આવી હોય તેવું ફિલ્મમાં દેખાઈ આવે છે. ફિલ્મના કેટલાંક સંવાદો ખરેખર સારા છે અને એક સારી કોમેડી રજૂ કરવાનો આધારસ્તંભ સમા સાબિત થયા છે.

ફિલ્મનું સૌથી સબળ પાસું એ ફિલ્મના સંવાદ છે. ફિલ્મમાં જે-તે સમુદાયની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ભાષા તેમજ બોલીને ફિલ્મના પાત્રો રૂપેરી પડદે રજૂ કરવામાં ખરા પણ ઉતર્યા છે. જે-તે ભાષાનો લહેકો , ઉચ્ચારણ અને તેને રજૂ કરવાની સમજ ફિલ્મના પાત્રોમાં દેખાઈ આવે છે કે જે ફિલ્મ જોતી વેળાએ ઉડીને આંખે વળગે છે. પણ કેટલીક જગ્યાએ તેને વધુ લોકલ બનાવવા માટે જે પ્રમાણે છીછરા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ફિલ્મમાં કોમેડી દ્રશ્યોને વધારે છીછરા સાબિત કરે છે. પરંતુ, તેમાં સમસ્યા એ પણ છે કે ફિલ્મમાં રજૂ કરવામાં આવેલી જે-તે સમુદાયની બોલી / ભાષા અમુક સંવાદોમાં પોતાનો આકાર બદલી નાખે છે જેથી દર્શકને એક જ બોલીમાં જાણે બે-ત્રણ બોલી મિશ્રિત થઈ ગઈ હોય તેવું લાગવા માંડે છે. છતાં, અમુક શબ્દો ક્યારેય અગાઉ મોટા પડદા પર સાંભળવા નથી મળ્યા તે અહીં સાંભળવા મળતાં દર્શકો હાસ્યની ધારામાં વહેવા માંડે છે.

ફિલ્મમાં જો કોઈ વ્યક્તિનો અભિનય ઉમદા હોય તો એ નાયિકા જયાના પિતાનાં પાત્રમાં ચિનુભા તરીકે અભિનેતા ચેતન દૈયાનો છે. એક શિસ્તબદ્ધ અને પ્રેમકથાના વિરોધી એવા પિતાના પાત્રમાં ચિનુભાનો અભિનય એ ખરા અર્થમાં ઉત્કૃષ્ટ છે. ફિલ્મના નાયક તરીકે તિલોક ઉર્ફે મયુરનું કામ ઘણું નબળું છે, તે એક નાયક તરીકે ફિલ્મમાં જે-તે સમુદાયના પાત્રને પણ યોગ્ય રીતે ન્યાય આપી શક્યો નથી. સંવાદમાં બોલીને યોગ્ય રીતે પકડી છે પરંતુ ચહેરાંના હાવભાવ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. નાયિકાના પાત્રમાં જયા એટલે કે દીક્ષા જોષીને તો જાણે અભિનયની કોઈ સૂઝ જ નથી લગતી. આખી ફિલ્મમાં એક જ પ્રકારના હાવભાવ સાથે તે એક અત્યંત નબળી અભિનેત્રી સાબિત થાય છે. ફિલ્મમાં નાયકના મિત્રના પાત્રમાં સુંદરનો કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે પણ પોતાની ઓવરએક્ટિંગના કારણે તે અભિનયમાં માર ખાઈ જાય છે. હા, આ સુંદરનું પાત્ર ફિલ્મમાં ચોક્કસપણે નાયક તિલોકના પાત્રને વટાવી જાય છે અને ફિલ્મનો અંત આવે નહિ ત્યાં સુધી લોકોને યાદ રહી જાય છે. ફિલ્મમાં નાયકના સલાહકાર એવા પકોડીવાળા કાળુભા ગંભીર અને પાત્રને ખરો ન્યાય આપવામાં સફળ થાય છે.

આ ફિલ્મમમાં માત્ર બે ગીત છે જે પ્રમાણમાં સારા છે પરંતુ સમગ્ર ફિલ્મમાં આ બે ગીતનું જ સંગીત સાંભળવા મળે છે જયારે ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીત માટે અન્ય કોઈ ધૂન તૈયાર કરવામાં આવી નથી તે દેખાઈ આવે છે. આમ, ફિલ્મ સંગીતના પરિપ્રેક્ષ્યમાં નિષ્ફળ સાબિત થાય છે.

અગાઉ ચર્ચા થઇ તે પ્રમાણે ફિલ્મમાં શૌચાલયના રખેવાળની વાત રજૂ કરવામાં આવી છે પણ, તેમાં ક્યાંય ચોક્કસ સામાજિક દૃષ્ટિકોણ જોવા મળતો નથી કે જેથી જે-તે સમાજની વેદના અને વ્યથા ફિલ્મના માધ્યમ થકી દર્શકો સુધી પહોંચી શકે. જયારે આ વેદનાને ફિલ્મમાં કોમેડીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે જેથી તે ફિલ્મમાં એક માત્ર હાસ્યનું પાત્ર બનીને રહી જાય છે. જોકે ફિલ્મમાં ક્યાંક નાયક પોતાના કામ અને સમુદાયને ગંભીરતાથી સંવાદના માધ્યમથી રજૂ કરે છે પરંતુ આ ગંભીર વાત પણ ફિલ્મમાં કોમેડીની આડમાં દબાઈને રહી જાય છે.

ફિલ્મનું દિગ્દર્શન સારું છે કે જે પાત્રોને વાર્તા આધારિત ન્યાય અપાવવામાં સફળ સાબિત થાય છે. ફિલ્મમાં કેમેરાના ઉપયોગમાં ક્યાંય પ્રયોગાત્મકશૈલી જોવા મળતી નથી અને ફ્રેમમાં એક કરતાં વધારે વિવિધતા પણ જોવા મળતી નથી. ફિલ્મમાં લોકેશન પણ ખૂબ ઓછા છે જે એક કરતાં વધારે વખત એક જ પ્રકારની ફ્રેમમાં જોવા મળતાં કોઈ નવીનતા જોવા મળતી નથી.
(સૂચના: આ સુંદરનું પાત્ર જેને ફિલ્મ છેલ્લો દિવસ પસંદ આવી હતી તેને અચૂક પસંદ આવશે કારણકે તેણે ફિલ્મમાં મોટેભાગે છીછરી કોમેડી જ રજૂ કરી છે.)

Rating for this Gujarati Movie : 2/5.

This Movie Review is written by Nilay Bhavsar

2 thoughts on “CRASH OF KARSANDAS PAY & USE | Gujarati Movie Review.”

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.